Pages

Search This Website

Saturday, July 3, 2021

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતના ટૂકેદ ગામમાં 2 ચોપડી ભણેલી મહિલાએ ગૌશાળામાં 70 ગીર ગાય થકી વર્ષે 20 લાખથી વધુની આવક ઊભી કરી




આજની પોઝિટિવ સ્ટોરી:સુરતના ટૂકેદ ગામમાં 2 ચોપડી ભણેલી મહિલાએ ગૌશાળામાં 70 ગીર ગાય થકી વર્ષે 20 લાખથી વધુની આવક ઊભી કરી




સૌરાષ્ટ્રથી પરિવાર સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ગામે આવીને વસેલાં જમનાબેન નકુમ દ્વારા અથાક પરિશ્રમ કરીને ગૌશાળા ઊભી કરી છે. માત્ર બે ચોપડી ભણેલાં જમનાબેન અને તેમના પરિવારે કોઠાસૂઝથી નાના પાયે ગૌશાળાની શરૂઆત કરી હતી. આજે તેમની ક્રિષ્ના નામની ગૌશાળામાં નાની-મોટી મળીને 70 જેટલી ગીર ઓલાદની ગાયો છે, જેના થકી સવાર-સાંજ 170 લિટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે. ગૌશાળામાંથી એકઠા થયેલા શુદ્ધ ગીર ગાયના દૂધને પરિવારના સભ્યો સુરતમાં ઘરે ઘરે લોકો સુધી પહોંચાડે છે, જેથી વાર્ષિક તેમની આવક 20 લાખથી વધુની થઈ રહી છે.

જાત મહેનતથી ગૌશાળા નમૂનેદાર બનાવી
મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની નકુમ જમનાબેન મગનભાઈ છ વર્ષ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ખાતે આવીને ભાડાપટ્ટા પર જમીન રાખીને ગૌશાળાની નાના પાયે શરૂઆત કરી હતી, જોકે પરિવારની આગવી સૂઝ અને જાત મહેનતને કારણે જમનાબેન અને તેમનો પરિવાર ઘાસચારો જાતે વાવવાથી લઈને ગાયોની દેખરેખ સારી રીતે રાખતાં હોવાથી આજે ગૌશાળા નમૂનેદાર બનવાની સાથે સાથે 70 જેટલી ગાયોની સંખ્યા થઈ ગઈ છે, જેમાંથી 20 જેટલી ગીર ગાયો દૂઝણી છે, જ્યારે 32 જેટલી વાછરડીઓની સંખ્યા સાથે તમામ નાની-મોટી થઈને 70 જેટલી ગાયો થઈ ગઈ છે.

જમનાબેન નકુમ દ્વારા અથાક પરિશ્રમ કરીને ગૌશાળા ઊભી કરી છે.

ઘાસ કાપવા મશીન વસાવાયાં છે
જમનાબેને જણાવ્યું હતું કે અમારી ગૌશાળામાં અમે ગીર ઓલાદની ગાયોને લીલો ઘાસચારો જ આપીએ છીએ. ઘાસચારાનો બગાડ ન થાય એ માટે ચાપ કટર દ્વારા ઘાસને કાપી નાખવામાં આવે છે. અમે 10 વીઘા જેટલી જમીનમાં ઝીંઝવો સહિતના ઘાસનું જ વાવેતર કરીએ છીએ. આ ઘાસની સાથે શેરડી સહિતનો ચારો કટિંગ કરીને આપીએ છીએ, જેથી ગાયો તેનો બગાડ પણ કરતી નથી અને આસાની થાય છે, સાથે જ દાણમાં પશુપાલો મિશ્રણ આપવામાં આવે છે, જેમાં કપાસની પાપડી, કપાસી, સરસવની પાપડી સહિતની સાતેક વસ્તુઓનું મિશ્રણ આપવામાં આવે છે.

જમનાબેન અને તેમના પરિવારે કોઠાસૂઝથી નાના પાયે ગૌશાળાની શરૂઆત કરી હતી.

ગાયોને બાંધવામાં આવતી નથી
જમનાબેનના પતિ મગનભાઈ નકુમે જણાવ્યું હતું કે બધી જ ગીર ગાયોનો ઉછેર કાચા ફાર્મમાં કરવામાં આવે છે. આખો દિવસ બધી જ ગાયોને છૂટા વાડામાં રાખવામાં આવે છે. એને બાંધવામાં આવતી નથી. દાણ આપવા માટે 50 ટકા દૂધ ઉત્પાદન વજન તથા એક કિલો એના શરીર નિભાવ માટેની ગણતરી કરીને આપવામાં આવે છે, સાથે જ સૂકો ચારો તથા લીલા ચારાનું મિશ્રણ આખું વર્ષ જાળવીને આપવામાં આવે છે.

ક્રિષ્ના નામની ગૌશાળામાં નાની-મોટી મળીને 70 જેટલી ગીર ઓલાદની ગાયો છે.

દર મહિને 22 હજારનો ખર્ચ થાય છે
જમનાબેન નિકુમ અને તેમના પરિવારના દ્વારા પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માટે તેમણે અંદાજિત કુલ 28 લાખનું રોકાણ કર્યું હતું. 10 વીઘા જમીનમાં લીલા ઘાસનું વાવેતર કરે છે, જેમાં ગાયોને દૂધ આપવા માટે પોષક ઘાસચારો, એટલે કે હાઇબ્રીડ નેપિયર જીજવો તથા બુલેટ ઘાસ અને શેરડી ઉગાડે છે. નેપિયર અને બુલેટ ઘાસ ગીર ગાયો માટે ખોરાક તરીકે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે, જેના થકી ગાયોની દૂધ આપવાની ક્ષમતામાં નોંધનીય વધારો થાય છે. ત્રણ હેકટર જમીનમાં લીલો ચારો અને સૂકો ચારો મળી રહે એ રીતનું ખેડાણ કરીને આખા વર્ષ દરમિયાનનું આયોજન કરે છે. ઘાસચારાનું ખેડાણ માટે પ્રતિ મહિને 22 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે, જેમાં બીજ ખાતર તથા મજૂરીખર્ચનો સમાવેશ થાય છે. દર મહિને સૂકો ચારો 15 ટન ઉપયોગમાં લે છે. 1 ટન સૂકા ચારાની કિંમત 6 હજાર જેટલી થતી હોય છે.

સવાર-સાંજ 170 લિટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે.

વિયાણ વચ્ચે 16 મહિનાનો સમય રખાય છે
2 વિયાણ વચ્ચેનો સમય 16 મહિનાનો જાળવી રાખે છે. પહેલા વિયાણ માટેનો સમય 38 મહિનાનો જાળવી રાખે છે. નિયમ ઊર્મિનાશક દવા તથા રસીકરણ બધી જ ગાયો પર કરવામાં આવે છે, સાથે જ સુમૂલના પશુ-ચિકિત્સકો કે ખાનગી પશુ-ચિકિત્સકોની પણ પશુઓની બીમારી કે બીજદાન વખતે મદદ લેવામાં આવે છે. વાછરડાં-વાછરડીઓનો ઉછેર અલગ અલગ બચ્ચાં ઘર કરીને કરવામાં આવે છે.

ગૌશાળામાંથી એકઠા થયેલા શુદ્ધ ગીર ગાયના દૂધને પરિવારના સભ્યો સુરતમાં ઘરે ઘરે લોકો સુધી પહોંચાડે છે.

દૂર દૂરથી લોકો ગૌશાળા જોવા આવે છે
જમનાબેનની ગીર ગાયનું દૂધ સામાન્ય રીતે પ્રતિ લિટર રૂપિયા 80ના ભાવે વેચાણ થાય છે. દૂધમાંથી બનતી અન્ય પ્રોડક્ટ પણ તૈયાર કરે છે, જેમ કે ગાયનું ઘી અને છાશ તૈયાર કરીને એનું પણ વેચાણ કરાય છે. છાશનું વેચાણ કરીને વર્ષે 1 લાખ 75 હજાર અને ગાયના ઘીનું વેચાણ કરીને વર્ષે 2 લાખ 70 હજારની આવક ઊભી કરી છે. નમૂનેદાર સ્વચ્છ ગૌશાળાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. જેમને જમનાબેન અને તેમના પરિવાર દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ગૌશાળાને આગવા સ્તરે લઈ ગયેલાં જમનાબેન અને તેમના પરિવાર દ્વારા આગામી સમયમાં ગાયનાં દૂધ,ઘી અને છાસના વેચાણ પર ન અટકતાં અન્ય પ્રોડ્કટ તૈયાર કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ગૌમૂત્ર, જીવામૃતથી લઈને અન્ય દવાઓ સહિતની વસ્તુઓ બનાવવાનું વિચારી રહ્યાં છે.

ગૌશાળામાંથી વાર્ષિક તેમની આવક 20 લાખથી વધુની થઈ રહી છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment